ગુજરાતમાં અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે, પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદને લીધે રાજ્યના ઘણા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
ગુજરાતમાં મુશળધાર વરસાદ સાથે આવેલા વાવાઝોડાએ ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતિ ઉભી કરી છે. વાવાઝોડા સાથે કમોસમી વરસાદે ખેડૂતોની આજીવિકા છીનવી લીધી છે, આ કુદરતી આફત હજુ ટળી નથી, જ્યારે ધોધમાર વરસાદ સાથે ભારે પવન પણ આવવાનો બાકી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધમાર વરસાદ સાથે આવનારા વાવાઝોડા અંગે ભયાનક આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આજે રાજ્યમાં ભારે અને અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આજે ક્યાં વરસાદની આગાહી?
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે, ગુરુવાર (8 મે, 2025) 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં સુધી વરસાદની આગાહી?
સામાન્ય રીતે, સમગ્ર ગુજરાત રાજ્યમાં 9 મે સુધી વરસાદની આગાહી છે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ, કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ પૂરની આગાહી છે. 9 મે પછી, ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને 10 મે થી 12 મે દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 મે પછી ગુજરાતમાં વરસાદ બંધ થઈ જશે.