Gujarat Rain Update : ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં ફરી એક વાર મેઘરાજાની આક્રમક બેટિંગ જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં તાપી જિલ્લાના વ્યારામાં સૌથી વધુ 8.3 ઇંચ વરસાદ નોંધાયો છે.
સોનગઢમાં 6.25 ઇંચ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં 6-6 ઇંચ વરસાદ થયો છે.
આ સિવાય અમદાવાદમાં પણ ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત
રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જણાઈ રહી છે. આજ (27મી સપ્ટેમ્બર)ની વહેલી સવારથી અમદાવાદમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. એસજી હાઇવે, બોપલ, સરખેજ, શિવરંજની અને નવા વાડજ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદના રેડ એલર્ટની જારી
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી ઉપરાંત દક્ષિણ ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘમહેર થશે.
રાજ્યના 4 જિલ્લામાં રેડ એલર્ટ
આજ (27મી 28મી સપ્ટેમ્બર) રાજ્યના 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.