Bhavnagar Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે, આજે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં મેઘરાજાએ ધમાલ મચાવી છે. સવારે 6:00 થી બપોરે 12 વાગ્યા સુધી જેસર તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ચોમાસાના પહેલા વરસાદથી જેસર તાલુકાના ગામડાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આજે વહેલી સવારથી જેસરમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
Bhavnagar Rain
ભાવનગરમાં ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ શાનદાર બેટિંગ કરી છે. જેસર તાલુકાના શાન્તીનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી અને દેપલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું છે. ભારે વરસાદને કારણે જેસર તાલુકાના મુખ્ય બજારમાં પાણી વહી રહ્યા છે.
આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD) દ્વારા 17મી જૂને પણ ભાવનગરમાં જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી
આખરે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. તોફાની પવન સાથે ચોમાસાની શરૂઆત થઈ છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે આગમન સાથે ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે.
Jay Vatukiya is the founder and chief editor of Gujviral.com. He shares daily news, horoscopes, government updates, and trending tech information in Gujarati.